જીવનમાં કંઇક પામવાની ઇચ્છા રાખવી અત્યંત જરૂરી છે. ઘણા લોકો જીવનને ટાઇમ પાસની પ્રવૃત્તિની જેમ ગુજારી દેતા હોય છે જે યોગ્ય નથી. સુખ કે સંતોષ આપણી આંતરિક ભાવના છે માટે એને બહારની વસ્તુઓ કે ઘટનાઓમાં શોધવી વ્યર્થ છે. સંતોષનું પ્રથમ પગલું છે પોતાની જાત પર વિશ્વાસ રાખવો. ત્યારે શક્ય બને છે જ્યારે આપણે નબળાઇઓ પરથી દૃષ્ટિને હટાવી શક્તિ પર કેન્દ્રિત કરીએ છીએ.
આપણો અહમ્ એક વિચાર માત્ર છે અને સુખના માર્ગમાં સૌથી મોટો અવરોધ બની જાય છે. દુનિયા એક દર્પણ જેવી છે- આપણે બદલાઇએ તો દુનિયા બદલાઇ જતી હોય છે. વિચારો જેટલા ઊંચા હોય તેટલી ઊંચાઇ પર જઇ શકાય છે. શક્યતામાં મર્યાદા આપણે પોતે નક્કી કરતા હોઇએ છીએ. સંબંધોમાં જ્યારે લાભ-નુકસાનની ગણતરી આવી જાય છે ત્યારે તણાવ વધે છે. જીવનને તણાવપૂર્ણ રાખવું કે શાંતિપૂર્ણ પણ આપણી પસંદગી છે. માફી આપવાની વૃત્તિ કેળવાય તો ભૂતકાળની દુ:ખદાયક પકડમાંથી મુક્તિ મળી શકે છે.
જીવનમાં બનતી ઘટનાઓ વિશે ફરિયાદો ત્યારે જોવા મળતી હોય છે જ્યારે પોતાના અહમને વધારે મહત્ત્વ આપવમાં આવે. સ્થિતિઓને સ્વીકારી લેવાથી સહજતા આવી જાય છે. કોઇ પણ ક્ષેત્રમાં પ્રગતિ માટે શ્રદ્ધા સાથે પ્રથમ પગલું ભરવું પડે છે. ઉચિત સમય માટે રાહ જોવાથી ધ્યેય ભૂલી જઇને નિષ્ક્રિય બની જવાય છે. જીવનને વેઇટિંગ રૂમ બનાવો અને જે પણ નિર્ણય લીધો હોય તેનો તત્કાલ અમલ કરો. વર્તમાન ખરી વાસ્તવિકતા છે. જ્યારે આપણે વર્તમાનમાંથી નથી જીવતા ત્યારે દુ:ખનો અનુભવ થાય છે. બાળક અકારણ ખુશ રહી શકે છે કારણ કે સંપૂર્ણ રીતે વર્તમાનમાં જીવે છે. સુખને તર્કબુદ્ધિથી નથી સમજી શકાતું. આપણાં મનમાં અસંખ્ય વિચારો આવતા રહે છે અને તેમાંના ઘણાખરા નકારાત્મક હોય છે. એવી પળો પૂરો આનંદ આપણે છે જ્યાં વિચારોનો પ્રવાહ અટકી જાય જેમ કે કોઇ સુંદર પ્રાકૃતિક દૃશ્ય કે આપણને ગમતું કાર્ય. ચિંતા કોઇ પણ સમયસ્યાનો ઉકેલ નથી. દરેક ચિંતાનું મૂળ ભયમાં રહેલું છે જે માત્ર વિશ્વાસ દ્વારા દૂર થઇ શકે છે. આપણા વિચારો ખરી વાસ્તવિકતા નથી પણ આપણા દ્વારા કરાતું એનું અર્થઘટન છે. કયારેક ખોટું પણ હોઇ શકે.
No comments:
Post a Comment